સમગ્ર રાજ્યની સાથે કચ્છમાં પણ હજુ આગામી પાંચ દિવસ સુધી ભારે વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. તે વચ્ચે આજે સવારથી કચ્છમાં વરસાદી માહોલ યથાવત છે. ખાસ કરીને અંજાર,અબડાસા,ભુજ અને માંડવીમાં આજે સવારથી ઝરમર વરસાદથી લઇ સાવર્ત્રીક 3 ઇંચ થી વધુ વરસાદ પડ્યો હતો. પરંતુ નખત્રાણા પર જાણે આભા ફાટ્યુ હોય તેમ માત્ર 2 કલાકમાંજ સાડા ચાર ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. નખત્રાણા શહેર ઉપરાંત આસપાસના ગામોમાં પણ વરસાદ પડતા ભારે મુશ્કેલી સર્જાઇ હતી. ગાજવીજ સાથે વિજળી પડવાની ધટનાઓ પણ બની હતી પરંતુ હાલ સ્થિતી નિયત્રંણમાં છે. અને વરસાદ થંભી જતા લોકોની મુશ્કેલી ધટી હતી.
નખત્રાણામાં 4 ઇંચથી વધુ વરસાદથી શહેર પાણી પાણી
નખત્રાણામાં સતત બે કલાક સુધી પડેલા ધોધમાર વરસાદથી નખત્રાણા માતાનામઢ હાઇવ દોઢ કલાક માટે બંધ રહ્યો હતો. બસ સ્ટેશન નજીકના પાણીના વહેણમાં પાણીનો ભારે પ્રવાહ શરૂ થતા વાહનચાલકો માટે મુશ્કેલી સર્જાઇ હતી. તો નખત્રાણા ની મુખ્ય બઝારોમાં પણ પાણી ભરાયા હતા. અને જાણે ગામમાંથી નદી વહેતી હોય તેમ પ્રવાહ શરૂ થયા હતા. દોઢ કલાક સુધી પડેલા વરસાદથી જનજીવન પર અસર પડી હતી અને ટ્રાફીકજામની સાથે અનેક માર્ગો બંધ રહ્યા હતા. તો આસપાસના 3 ગામોમાં વચ્ચેની નદીમાં પાણી આવતા રસ્તા બંધ થયા હતા જો કે નખત્રાણામાં પોલિસ અને તંત્રએ વરસાદ બંધ થતા જહેમત કરી રસ્તાઓ પુર્વવત કર્યા છે. જો કે અમુક વિસ્તારોમાં હજુ પાણી ભરાયેલા છે.
ધ્રબમાં ડુબેલ એકની લાશ મળી વિજળીથી એક મોત
છેલ્લા બે દિવસથી પડેલા ભારે વરસાદથી અનેક વિસ્તારોમાં લોકો માટે મુશ્કેલી પણ સર્જાઇ છે. ગઇકાલે મુન્દ્રા માંડવીમાં અનેક પશુઓ તણાવા સાથે મુન્દ્રાના ધ્રબમાં 5 લોકો તણાયા હતા જેમાંથી એકનુ મોત થયુ હતુ જ્યારે એકનો બચાવ થયો હતો. જો કે લાપતા થયેલા 3 લોકોની શોધખોળ એન.ડી.આર.એફએ શરૂ કરી હતી જે પૈકી એક યુવાનની લાશ આજે શોધખોળ દરમ્યાન મળી આવી હતી. તો બીજી તરફ નખત્રાણા નરેડી ગામે આકાશી વિજળી પડતા યુવાનના મૃત્યુના સમાચાર આવી રહ્યા છે. તો તે સિવાયના અબડાસા,માંડવી અને અંજારમાં પણ સારા વરસાદથી લોકોમાં ખુશી સાથે કેટલાક ગામોમાં મુશ્કેલી સર્જાઇ હતી.
કચ્છમાં આજ સવારથી અંજારમાં 91MM,ભુજમાં 68MM,માંડવી 86MM અને સૌથી વધુ નખત્રાણામાં 110MM વરસાાદ નોંધાયો છે. ચોક્કસ વરસાદની રાહ જોતા કચ્છના અનેક ડેમોમાં વરસાદથી પાણીની સારી આવક થઇ છે. અને અમુક છલકાયા છે. પરંતુ અવીરત વરસાદથી અનેક વિસ્તારોમાં મુશ્કેલી પણ સર્જાઇ છે. જો કે કચ્છમાં એન.ડી.આર.એફ સહિત સ્થિતીને પહોચી વળવા માટે તંત્ર સજ્જ છે.