ત્રણ દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી વચ્ચે કચ્છમાં સતત બીજા દિવસે પણ વરસાદે તોફાની બેટીંગ કરી હતી. ગઇકાલે જ્યા ભુજમાં જે રીતે સતત એક કલાક સુધી ધોધમાર વરસાદ પડ્યો હતો તે રીતે આજે મુન્દ્રામાં વરસાદે તોફાની બેટીંગ કરી હતી. અને માત્ર પોણાથી એક કલાકની અંદર જ 4 ઇંચ જેટલો વરસાદી વર્ષી જતા શહેર પાણી-પાણી થઇ ગયુ હતુ. મુન્દ્રા ઉપરાંત આસપાસના ગામો સામાધોધા થી લઇ માંડવી સુધી વરસાદ ખાબક્યો હતો. ડીઝાસ્ટર કન્ટ્રોલરૂમના સત્તાવાર આંકડા મુજબ મુન્દ્રામાં 6થી8 દરમ્યાન 93MM જ્યારે માંડવીમાં 26MM એક ઇંચ વરસાદ નોંધાયો હતો. થોડા સમયમાંજ પડેલા ભારે વરસાદને પગલે મુન્દ્રાના અનેક રસ્તાઓ પર ધુટણ સમાન પાણી ભરાતા વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા કચ્છમાં ચૌમાસા દરમ્યાન પણ મુન્દ્રા-માંડવી વિસ્તારમાં સૌથી વધુ વરસાદ નોંધાયો હતો તેવામાં વધુ એકવાર 3 દિવસ વરસાદની આગાહી વચ્ચે મુન્દ્રા-માંડવી પંથકમાં વરસાદ પડતા લોકો માટે મુશ્કેલી સર્જાઇ હતી. ગાજવીજ સાથે પડેલા અનરાધાર વરસાદના પગલે જનજીવન પ્રભાવીત થયુ હતુ તો વિજ પુરવઠો પણ કેટલાક વિસ્તારમાં ખોરવાયો હતો તો ભુજમાં પણ ઝરમર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. ગઇકાલે ભુજ અને આજે મુન્દ્રામાં ટુંકા સમયમાં અનારાધાર વરસાદથી ફરી એકવાર શહેર પાણી પાણી થઇ ગયુ હતુ.