ગુજરાત ઇન્સ્ટિટયૂટ ઓફ ડેઝર્ટ ઇકોલોજી -‘ગાઈડ’ ભુજએ હિમાચલ પ્રદેશ જેવા ઠંડા પ્રદેશમાં ઉગતી ‘હિમાલયન ગોલ્ડ’ નામથી પ્રચલિત ઔષધીય મશરૂમની જાત કચ્છમાં ઉગાડી બતાવી છે જેનો બજાર ભાવ કીલોના લગભગ રૂ.દોઢ લાખ જેટલો છે. આમ, ‘ગાઈડ’ સંસ્થાએ એક નવીન પ્રયોગ કરીને સાર્થક કરી બતાવ્યું છે કે, કચ્છની ભૂમિ અને કચ્છની આબોહવા ખરેખર અપાર વૈવિધ્ય ધરાવે છે કચ્છ હંમેશાથી સુકો મલક કે રણપ્રદેશ તરીકે ઓળખાતો આવ્યો છે પરંતુ અહીંના પ્રયોગશીલ ખેડૂતોએ કેટલાક અશક્ય પાક કચ્છમાં ઉગાડી બતાવ્યા છે અગાઉ પણ સ્ટ્રોબેરી તેમજ ડ્રેગનફ્રુટ જેવા ફળ અહીંના ખેડૂતોએ ઉગાડી બતાવ્યા છે ત્યારે ઔષધીય દુનિયામાં કલ્પતરૂ ગણાતું આ મશરૂમ ભુજની ‘ગાઈડ’ સંસ્થાએ અહીં ઉગાડી બતાવ્યું છે. હાલ ‘ગાઈડે’ મશરૂમના ક્ષેત્રે કચ્છમાં નવી ક્રાંતિ સર્જી છે કોઈ કલ્પના પણ ન કરી શકે કે હિમાચલ પ્રદેશ જેવા ઠંડા પ્રદેશમાં જ ઉગતી આ કોર્ડિસેપ્સ મિલિટરીસ નામની મશરૂમ ની પ્રજાતિ કચ્છમાં પણ વિકસાવી શકાય છે તે ગાઈડ સંસ્થાએ સાર્થક કરી બતાવ્યું છે. ગાઈડના વરિષ્ઠ વૈજ્ઞાનિક ડો.કે કાર્તિનયન અને જી.જયંતિએ ગાઈડ ના ડાયરેક્ટર ડો.વી.વિજયકુમારના નેતૃત્વ હેઠળ અનેક સંશોધનો કરી ૩ માસ જેટલા સમયમાં ૩૫ જેટલી કાચની બરણીમાં લેબમાં જ ૧૭ ડિગ્રી જેટલા નીચા તાપમાને યોગ્ય વાતાવરણ માં કોર્ડિસેપ્સ મિલિટરીસ નામની ઔષધીય મશરૂમ ઉગાડવા નો પ્રયોગ કર્યો અને તેમનો આ પ્રયોગ સફળ બન્યો
આ મશરૂમ એન્ટી-બેક્ટેરિયલ, એન્ટી-ફંગલ તેમજ એન્ટી-કેન્સર તરીકે ખૂબ જ અકસીર છે ઉપરાંત વીટામીન બી-૧ અને બી-૧૨ તેમજ અન્ય પ્રોટીનથી પણ ભરપૂર છે તો, મેલેરીયા તેમજ ડેન્ગ્યૂમાં પણ તે અસરકારક છે તેવું અગાઉના મેડિકલ રિસર્ચ સાબિત થઈ ચૂક્યું છે. હાલ કોરોના ના કારણે ઇમ્યુનિટી સિસ્ટમની ચર્ચા પણ ખુબ થઈ રહી છે ત્યારે ઇમ્યુનિટી બુસ્ટર તરીકે પણ તે બેસ્ટ હોવાના અણસાર દેખાયા છે. જોકે, હાલ કોવિડ પરિસ્થિતિના કારણે તે પરીક્ષણ શક્ય બની શક્યું નથી.આ મશરૂમ બ્રેસ્ટ કેન્સર વિરોધી તત્વો ધરાવે છે તે અંગે જરૂરી સંશોધન કરવા માટે નિરમા યુનિવર્સિટી સાથે સંકલનમાં રહી પરીક્ષણ કરવામાં આવ્યું છે. પ્રાણીઓ પર કરાયેલા આ પરીક્ષણના પ્રાથમિક તારણો પરથી જાણવા મળી રહ્યું છે કે આ મશરૂમ બ્રેસ્ટ કેન્સરને નિયંત્રિત કે નાબૂદ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. જ્યારે ‘ગાઈડે’ તેના માનવીય પરીક્ષણ માટે પણ સત્તાવાર મંજૂરી માંગી છે ભુજ ખાતે છેલ્લા ૨૫ વર્ષથી ‘ગાઈડ’ કાર્યરત છે અને આ વર્ષોમાં અનેક સંશોધનો કરી કચ્છમાં નવીન પ્રયોગો કર્યા છે. છેલ્લા પાંચ વર્ષથી ‘ગાઈડ’ દ્વારા મશરૂમ અંગે અનેક સંશોધનો કરવામાં આવ્યા છે તથા મશરૂમની નવી-નવી પ્રજાતિઓ કચ્છમાં વિકસાવી છે આ મશરૂમ અંગે વિદ્યાર્થીઓ,સ્થાનિક લોકો તેમજ ખેડૂતોને મશરૂમ કેવી રીતે ઉગાડવું? કેમ તેનું સંવર્ધન કરવું? વગેરે બાબતે તાલીમ પણ ‘ગાઈડ’ આપે છે. જેથી તેઓ આ અનેક ગુણધર્મોથી યુક્ત મશરૂમ આહારમાં લઈ શકે અને બજારમાં પણ વેચી શકે. આમ અનેક લોકોને ખરા અર્થમાં પગભર કરી આત્મનિર્ભર બનાવી રહી છે ‘ગાઈડ’ !
આ અંગે ‘ગાઈડ’ ના ડાયરેક્ટરશ્રી ડો.વી.વિજયકુમાર જણાવે છે કે હાલ કચ્છમાં મશરૂમની ખેતી માટે અમે લોકોને તાલિમ આપી રહ્યા છીએ જેથી લોકો મશરૂમનો ખોરાક માટે ઉપયોગ કરી શકે ઉપરાંત તેની ખેતી કરી બજારમાં વેચીને સારી કમાણી પણ કરી શકે. હાલ આ મશરૂમ લેબમાં જરૂરી સુવિધાઓ સાથે ઉગાડવામાં આવી આવી છે જોકે, હવે એ તરફ પણ પ્રયાસ જરૂરથી કરીશું કે યોગ્ય સાર-સંભાળ અને કાળજી સાથે પોષણયુક્ત અને ઔષધીય ગુણધર્મ ધરાવતી આ મશરૂમ વિશાળ જનસમુદાયને ઉપલબ્ધ કરાવી શકાય. સામાન્ય રીતે લેબોરેટરીમાં મશરૂમ નું વાવેતર કરીને ઉગાડવામાં અઠવાડિયે એક લાખ રૂપિયા જેટલો ખર્ચ થાય છે ત્યારે આજીવિકાના વિકલ્પ તરીકે મશરૂમ ઉગાડવા ની તાલીમ સાવ સામાન્ય ખર્ચે ‘ગાઈડ’ આપે છે તેવું પણ તેમણે વધુમાં જણાવ્યું હતું.